એ દિવસોમાં ઘરેથી કામ ચાલતું મારું. બપોરે એકની આજુબાજુ  હું મારા સ્ટડી રૂમમાંથી બહાર આવીને દિવાન ખંડના સોફા પર જરાક વાર આડી જ પડી 'તી. એસીની ઠંડી હવા મારા પગના તલિયે વાગી રહી હતી. મોબાઈલ પર ફટાફટ મેઈલ ચેક કરીને પળભર માટે હજી આંખો મીંચાઈ હતી કે એકસાથે પચાસ વાર કોઈએ ડોરબેલ વગાડી મુક્યો.  કોણ જાણે કેમ પણ એ દિવસે એ બાઈને જોઈ પછી જાણે બધું ઊંધું પડવા લાગ્યું. બાજુના ઘરમાં ઇસ્ત્રીના કપડા આપવા રોજ આવતી એ. તે દિવસે મીનાબેન અને પરિવાર મુંબઈ ગયેલ હતા. પેલી બાઈ મને કપડા દેવા આવેલી. ડોરબેલ પર ડોરબેલ વગાડયે જતી 'તી. બપોરની ઘડીભર શાંતિમાં ખલેલ એ પહોચાડી ચુકી હતી. દરવાજા સુધી પહોચવામાં અકળામણ મારા મગજે ચડી ગઈ. એક વાર ડોરબેલ વગાડીને એકાદ મિનીટનો ટાઈમ તો કોઈ પણ આપે . જાણે હું ચોવીસ કલાક દરવાજે જ ખુરશી તાણીને બેસી રેહતી હોઉં એમ !....

મે દરવાજો ખોલ્યો અને જે હોય એને લપડાક સંભળાવી દેવાની જ તૈયારી હતી પણ એને જોઇને મારા હોઠ જાણે સિવાઈ ગયા. જાણે દોઢ મણનો હાથ મારા મોઢા પર પડી ગયો. હું આંખો ફાડીને એને ઘૂરી રહી હતી. થુંક બરાબર ગળાની ગાંગડીમાં અટકાઈ ગયું. એણે કપડાનો ભારો સોફા પર ઠાલવ્યો અને ચાલવા માંડી. ચાલ પણ આબેહુબ નીતા જેવી જ. નીતા એટલે મારી માસીની દીકરી. મારી સાથે રહીને જ ઉછરેલી. સ્કુલ , કોલેજ , બોયફ્રેન્ડસ બધું એકબીજાનું એ ટુ ઝેડ જાણીએ. એકબીજાને છાવરવામાં પણ અમે સતર્ક રહેતા.

 પણ કોલેજની એ ફેરવેલની રાત અમને ભારે પડી ગઈ. મોહિતે ન જાણે ક્યાંથી નીતાના મનની વાત જાણી લીધી હતી અને એ રાતે એને કેમ્પસના પાછળના ગાર્ડનમાં એકલી મળવા બોલાવેલી. નીતા પણ લાગણીના આવેશમાં મને કઈ વાત કર્યા વગર પાર્ટીમાંથી છુ થઇ ગઈ. પાછળ શું બન્યું શું નહિ એ કોઈને ખબર ના પડી. પણ એ દિવસ પછી નીતાની હાજરી  અમ સહુ વચ્ચેથી  ચાલી ગઈ. પોલીસની મદદથી વર્ષો સુધી શોધ ચલાવી , એકેએક ગામ , નદી નાળા શોધી ફર્યા. પણ કોઈ કરતા કોઈ સુરાગ ના મળ્યા.

ફેરવેલના બીજા દિવસે મોહિતે ગળે ટુંપો દઈ દીધો. કોલેજમાં સન્નાટો છવાઈ ગયો.નીતાના મા-બાપે ભારે ઉહાપોહ મચાવ્યો પણ કઈ કરતા કઈજ  ખબર ના મળી. લોકોએ  ડરના માર્યા વાત જ ભુલાવી દીધી. નીતાનું નામ સંભાળતા જ લોકો રફેદફે થઇ જતા. આ વાતને વર્ષો વીતી ગયા. ત્યાં કુંજરાવોની સેન્ટ્રલ કોલેજમાં આજે પણ અફવાઓ ઉડે છે કે એક છોકરી કોલેજમાં ભૂલી પડી હોય તેમ લોકોને ભટકાયા કરે છે. મારા અતીત સાથે લગન થયા અને હું દિલ્લી સેટલ થઇ ગઈ.  ત્યાં મારું બિઝનેસનું કામ ઘરેથી જ સંભાળતી. સમય જતા નીતા અમારા સહુના મનમાંથી ચાલી ગઈ. ક્યારેક ઉડીને મગજમાં ભરાઈ જતી પણ પછી હતાશા સાથે હું એને ખંખેરી કાઢતી.

ઇસ્ત્રીવાળી બાઈની શકલ આબેહુબ નીતાને મળતી 'તી. હું લગભગ મોડી સાંજ સુધી કંઇજ કામ ન કરી શકી.  ફરી એકવાર એ ફેરવેલની રાત મારી આંખો સામે આવી ગઈ. મે અતીતને મેસેજ કરીને ઘરે જલ્દી બોલાવી લીધો. બીજા પાડોશી જેમણે એની જોડે કપડા બંધાવ્યા હતા હું એમની ઘરે બેસી આવી અને જરૂરી માહિતી લઇ આવી. વધારે ડાઉટ જાય તે પહેલા જ ત્યાંથી હું ઉઠી ગઈ. છ વાગ્યા હતા હજી અતીતને આવવામાં પૂરા બે કલાક હતા. મે પાર્કિંગમાંથી ગાડી કાઢી અને પહારગંજ તરફ ભગાવી મૂકી.  શોધખોળ કરતા જે એડ્રેસ મળ્યું, ત્યાં સુધી હું પહોચી તો ગઈ પણ ગાડી અંદર જઈ શકે તેમ ન હતુ.  મેઈન રોડ પર પાર્ક કરીને હું ઉતાવળે પગલે એક ગંદી , કીચડથી ભરાયેલી ગલીમાં આગળ વધી. ૨૩ નંબરનું મકાન હતુ.  ૧૦થી ૧૫ બાળકો કીચડમાં રમતા હતા. બાજુમાં ગલ્લા પર એક આધેડ માસી ભૂંગળા અને પીપરમેન્ટ વેચી રહ્યા હતા. કાળની ઝાપટ આંખે ઉડીને વળગી રહી હતી. બાળકથી લઈને બુઢા સહુના મો પર ગરીબીની કાળાશ છવાયેલી હતી. હું ૨૩ નંબરના મકાન પાસે પહોચી ગઈ, બારીમાંથી અંદર જોયું તો એક માણસનું માથું દેખાતું તુ. એની પીઠ મારી બાજુ હતી. સામે એક તાર પર ચેક્સ વાળી કોટનની સાડીઓ અને લુંગી સુકાઈ રહ્યા હતા. એટલામાં પેલા માણસ પર કોઈનો ફોન આવ્યો એણે નોકિયાનું ડબલું ઉઠાવ્યું ને કાને ધર્યું.

“ હેલો ...” મારી ધડકનો મને નાકમાં સંભળાઈ રહી હતી. હું ધ્રુજી ઉઠી. આ તો મોહિતનો અવાજ...જો આ મોહિત હતો તો ત્યાં સુઈસાઈડમાં કોણ હતુ ??!!  આ એક માત્ર કો-ઇન્સીડંસ ના જ હોય શકે... ચોક્કસ ઘણું બધું છે જે લોકો જાણતા નથી.

“ તુ પહોચ તો ખરો ...ભળવા...હું છુ ને ...”

પાકેપાકો મોહિતનો જ અવાજ હતો. મે ઘડિયાળમાં જોયું ૮ વાગી ચુક્યા હતા. અતીત ગમે ત્યારે ઘરે પહોચશે. હું ઉતાવળી ત્યાંથી પાછી ફરી....

(ક્રમશ :)

hindi@pratilipi.com
+91 8604623871
सोशल मीडिया पर हमें फॉलो करें।
     

हमारे बारे में
हमारे साथ काम करें
गोपनीयता नीति
सेवा की शर्तें
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.