ચેપ્ટર - 1 
ડે - વન 


ધબાકાભેર ઉચ્છવાસને કારણે ઉડેલી માટીના કણો ગળામાં ભરાતા ઉધરસ ફેંકાઈ અને એને ભાન આવ્યું. ચારે બાજુના ઘોર અંધકારમાં બારણાની નીચે દોરાયેલી ચકચકાટ સોનેરી રેખા આંખો આંજી રહી હતી. પ્રાચીનું દરેક અંગ દર્દ કરી રહ્યું હતું. ખાસ કરીને પગ જેમાં કિલો કિલોના વજનિયા ભરવી દીધા હોય તેટલા ભારે થઇ ગયા હતા. પણ બધામાં જમણા  હાથની કોણીમાં એક ઝીણું દર્દ વારેવારે થતું હતું. પ્રાચી અંધારામાં જ પારખી ગઈ કે એને સીરીંજ વાટે ડ્રગ આપવામાં આવેલ હતું. 100 હાથ એક સાથે બ્લેકબોર્ડ પર નખ ઘસી રહ્યા હોય તેમ કાનની ઉપરના માથાના ભાગમાં ભયંકર દુખાવો થઇ રહ્યો હતો. નેહા અને ગુરલીન ક્યાં હશેના વિચારે એને ધ્રુજારી છૂટી ગઈ. જીન્સના ખીસામાં હાથ નાખી જોયો પણ ધાર્યા મુજબ ફોન ના મળ્યો. અકળાવનારી પરિસ્થિતિમાં એની આંખોમાંથી બોર બોર  જેવડા આંસુ નીકળી ગયા. પણ બીજી જ મિનીટે એણે મન મક્કમ કરીને પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ણય કરી લીધો.

લગભગ એકાદ મહિના પહેલા એક કોનકૉલ પર ત્રણેવે યુરોપ ફરવા જવાનું નક્કી કર્યું હતું. પ્રાચીનું બકેટ લીસ્ટ ઘણું લાંબુ હતું અને અવનવા સ્થળો ફરવા અને અનુભવોને ડાયરીમાં કેદ કરવા એ એનો શોખ હતો. મમ્મી પપ્પાનો એક આલીશાન બંગલો છે અને પોતા માથે કોઈ જવાબદારી ના હોવાથી સેલેરીનો આનાથી સારો ઉપયોગ બીજો ના હોય શકે એમ તે માનતી. સ્વભાવે સ્વછંદી, સ્વમાની અને રમતિયાળ પ્રાચી પહેલેથી જ ભણવામાં અવ્વલ રહેતી અને એજ રસ્તે આગળ વધતા ફક્ત 25 જ વર્ષની વયે એમબીએ કરીને બ્રિટાનીયામાં માર્કેટિંગ મેનેજર બની ગઈ.મમ્મી પપ્પાની લાડકી પ્રાચીના દોસ્તો પણ સમયથી એટલા જ આગળ હતા.

રોમ, પેરીસ, બાર્સિલોના અને બુડાપેસ્ટ આ ચાર જગ્યાઓ ફાઈનલ થઇ હતી. રોમમાં નેહાના મામાનું ઘર હોવાથી ત્યાં જ ઉતારવાનું નક્કી થયું હતું. અઠવાડિયાની આ ટ્રીપ માટે ત્રણે સખીઓ ખૂબ ઉત્સાહીત હતી. નક્કી થયેલ તારીખે ત્રણેવ મુંબઈ એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં રોમ આવવા નીકળી ગઈ. નક્કી થયું હતું તે મુજબ પહોચીને સહુ પ્રથમ પપ્પાને ઇન્ફોર્મ કરવાનું હતું.

સ્પ્રિંગમાં યુરોપ કેવું સરસ રંગબેરંગી હશે એ વિચારોમાં ખોવાયેલી પ્રાચી , રોમની સુંદરતા નિહારવામાં એવી તો ગરકાવ થઇ ગઈ કે ફોન કરવાનું તદ્દન ભુલાઈ જ ગયું. નેહા અને ગુરલીન સેલ્ફીઓ ખેંચવામાં લાગેલા હતા. એરપોર્ટ ગાર્ડનમાં જ  કલાક પસાર થઇ ગયો. સવારના 11:30 જેવો ટાઈમ થઇ  ગયો હતો.

ગાર્ડનની સામેની બાજુ હરોળમાં ઉભેલી ટેક્સીઓમાંથી પીળા રંગની વાનમાં બેઠેલ મેક્સની નજર આ ત્રણેવનો  પીછો કરી રહી હતી. એણે એના જમણા હાથ પર ચિતરાવેલા કાળા વિચિત્ર ટેટુ પર એક નજર ફેરવી અને પછી ગાડીનો દરવાજો ખોલી બહાર આવ્યો. તદ્દન સામાન્ય ચાલે તે નેહા પાસે આવી પહોચ્યો.

"બોન્જો મેદેમોઇસ ! પઈસ -જે પ્રન્દ્રે વોત્રે ફોટો ?"  ( "હેલો મિસ ! શું હું તમારા ત્રણેવનો સાથે ફોટો લઇ દઉં ?") મેક્સે નેહાને એક મીઠ્ઠી સ્માઈલ આપીને પૂછ્યું.

ફ્રેંચ જાણતી નેહા તરત જ હસીને બોલી " યા સ્યોર, વાઈ નોટ " કહીને ગુરલીન અને પ્રાચીને સોડમાં લઈને ઉભી રહી ગઈ.

મેક્સે ફોટો ખેંચીને તરત જ ટેક્સી શેર કરવાનો પ્રસ્તાવ મુક્યો.  પ્રાચી જરાક થંભી ગઈ અને એણે નેહાને અલગ ટેક્સી કરવા કહી દીધું. પણ ચંચલ અને તોફાની નેહાએ પ્રાચીને આંખના ઈશારે જણાવ્યું કે ફ્રેંચ પુરુષો ખૂબ ભોળા હોય છે ડરવાની જરૂર નથી. સહુ એક ટેક્સીમાં સવાર થઇ તેના મામાને ઘરે પહોચ્યા. પેલો અજાણ્યો યુવાન નેહા સાથે આખા રસ્તે ફ્રેંચમાં વાતો કરતો રહ્યો. નેહાના ગીતમામા બે દિવસ માટે ટાઉનની બહાર હોવાથી છોકરીઓ બે દિવસ માટે એ પેલેસ જેવા ઘરની રાણીઓ હતી.

બારી બહારની સુંદરતાને આંખોમાં કેદ કરવામાં પ્રાચી પરોવાયેલી હતી. ગુરલીન સપનાના હોલીડે પર ગર્વ કરતી  મખમલી મુલાયમ બેડ પર આળોટી રહી હતી અને નેહાએ વાઈનનો ગ્લાસ ભરીને મ્યુસિક ઓન કર્યું. પ્રાચીની નજર દુર દેખાઈ રહેલા ઘડીયાળી ટાવર પર પડી બપોરના 2 વાગી ચુક્યા હતા. ઘરે ફોન કરવા ઉતાવળે તે લોબીમાંથી પસાર થઇ સામેની પરસાળમાં આવેલા એના બેડરૂમમાં રાખેલ સામાન પાસે પહોચી ગઈ. નેટવર્કનો પ્રોબ્લેમ જણાતા એ બેડરૂમ સાથે કનેકટેડ બેક્યાર્ડ ( બગીચામાં ) ચાલતી ચાલતી આવી ગઈ. કાચના દરવાજાની આરપાર  એને ગુરલીન અને નેહાની મસ્તી અને ડાન્સ દેખાઈ રહ્યા હતા. પપ્પાને પહોચવાના ખબર જ આપી રહી હતી કે એની નજર વિસ્ફારિત થઇ ગઈ. જે દ્રશ્ય એ જોઈ રહી હતી એની તેને કલ્પના સુદ્ધા ન હતી. ગભરાટમાં ફોન કાપી નાખ્યો.  પેલો મેક્સ અને એના બીજા બે સાથીદારો ઘરમાં ઘુસી આવ્યા હતા અને તેઓ નેહાને પગથી ઢસળીને બહાર લઇ જઈ  રહ્યા હતા. ગુરલીનના બે હાથ પાછળથી પકડીને એને એક સાથીદારે ખભે નાખી અને બહારની તરફ ચાલ્યો ગયો. ત્રીજો સાથીદાર એની કાતિલ નજરોથી પ્રાચીને આજુબાજુ શોધી રહ્યો હતો. તેના હાથમાં પિસ્તોલ પણ પ્રાચીએ જોઈ.  તે ઝડપથી પ્રાચીના બેડરૂમ તરફ આવી રહ્યો હતો. એક પછી એક બધા દરવાજા ખોલીને પ્રાચીને શોધી રહ્યો હતો. પ્રાચી પરસેવે રેબઝેબ હાલતમાં કબાટની અંદર છુપાઈ ગઈ. એની ધડકનો ગજબની હાંફ ભરી રહી હતી. અજાણ્યા પ્રદેશમાં આવા બનાવથી તે ખૂબ  જ ડરી ગઈ હતી. પેલો ત્રીજો સાથીદાર પ્રાચીના રૂમ સુધી આવી પહોચ્યો હતો અને એક ઝાટકે એની પારખું આંખોએ પ્રાચીને શોધી કાઢી. વાળથી પકડીને એને દરવાજાની બહાર ઉભેલી કાળી વાનમાં લઇ આવ્યો. પ્રાચીએ મદદ માટે બુમો પડવાની કોશિશ કરી પણ બપોરના ટાઇમે રસ્તા પર એકલ દોકલ માણસ જ દેખાઈ રહ્યું હતું અને વાનના ડ્રાઈવરે પલકારામાં તો વાન ભગાવી  મૂકી. પછી શું બન્યું તે કઈ જ એને યાદ નહોતું. પણ એટલી ખબર હતી કે નેહા અને ગુરલીન એની સાથે વાનમાં નહોતા.

 ( વધુ આવતા અંકે  )

( ક્રમશ : )

 

 

 

hindi@pratilipi.com
+91 8604623871
सोशल मीडिया पर हमें फॉलो करें।
     

हमारे बारे में
हमारे साथ काम करें
गोपनीयता नीति
सेवा की शर्तें
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.